Job 37

1નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે;

તે તેની જગ્યાએથી ખસી જાય છે.
2તેમના મુખમાંથી નીકળતા અવાજ,
ધ્યાનથી સાંભળો.
3આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે,
અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.

4તેમની પાછળ અવાજ થાય છે;

તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે;
જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે.
5ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે;
તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી.
6તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’
તે જ રીતે વરસાદને વરસવાનું,
અને “પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’

7આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે,

કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે.
8ત્યારે પશુઓ સંતાઈ જાય છે
અને તેઓની ગુફામાં ભરાઈ જાય છે.
9દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે,
અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે.

10ઈશ્વરના શ્વાસથી હિમ થાય છે;

અને સમુદ્રો ધાતુની માફક થીજી જાય છે.
11ખરેખર, તે ભારે વાદળોને પાણીથી ભરી દે છે;
અને વાદળોમાં તે વીજળીઓને ચમકાવે છે.

12તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે,

જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે.
13લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે,
અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે.

14હે અયૂબ, આ વાત પર લક્ષ આપ;

જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.
15ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે,
અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી?

16વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે,

જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?
17તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે.
અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?

18જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો?

આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો?
19અમારે શું કહેવું તે અમને શીખવ,
કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.
20શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી?
શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?

21જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે

લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
22તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા
અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી.

23સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી;

તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે.
તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી.
તેથી લોકો તેમનાથી ડરે છે.
પણ જેઓ પોતાની જાતને જ્ઞાની માને છે, તેવા લોકોને ઈશ્વર ગણકારતા નથી.”
24

Copyright information for GujULB